દાહોદ, તા. 23 સપ્ટેમ્બર, 2026: ‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ઝાલોદ અને દેવગઢ બારીયા તેમજ જિલ્લાના 20 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ યોજાયેલા આ કેમ્પોમાં પદાધિકારીઓ, પંચાયતી રાજના સભ્યો તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.કેમ્પ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત લાભાર્થીઓ અને નાગરિકોને સ્વચ્છતા જાળવવા અંગેની શપથ લેવડાવવામાં આવ્યા હતા.સાથે જ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કેમ્પમાં આવેલા લાભાર્થીઓની વિવિધ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તથા જરૂરી તબીબી સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લાની બંને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા 20 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાયેલા હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પમાં કુલ 5,680 જેટલા લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. જેમાં ગાયનેક વિભાગ દ્વારા 728, પીડિયાટ્રિક વિભાગ દ્વારા 354 તથા ફિઝિશિયન દ્વારા 578 લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, 1,057 લાભાર્થીઓની ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ, 331 લાભાર્થીઓની ઓરલ કેન્સર સ્ક્રીનિંગ, 250 લાભાર્થીઓની બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ તથા 200 લાભાર્થીઓની સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કરવામાં આવી હતી.તેમજ 85 લાભાર્થીઓની આંખની તપાસ, 399 લાભાર્થીઓને રસીકરણ સેવા તથા 178 લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.કેમ્પ દરમિયાન વિવિધ આરોગ્ય સેવાઓ સાથે રોગોના પ્રારંભિક નિદાન, સમયસર સારવાર તથા આરોગ્ય અંગેની જાગૃતિ માટે પણ લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના તબીબો, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કેમ્પને સફળ બનાવવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત યોજાયેલા આ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પો દ્વારા દાહોદ જિલ્લાના નાગરિકોને તેમના નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે એક જ સ્થળે વિવિધ આરોગ્ય તપાસ, નિષ્ણાત તબીબી સેવાઓ, રસીકરણ, ટીબી સ્ક્રીનિંગ તેમજ આરોગ્યલક્ષી માર્ગદર્શનનો લાભ મળ્યો હતો.
દાહોદ જીલ્લાના લીમખેડાથી એક અત્યંત સંવેદનશીલ અને તંત્રની પોલ ખોલતા સમાચાર સામે આવ્યા છે. કહેવાય છે કે જીવતા માણસ માટે ઘર અને મર્યા પછી સ્મશાન એ પાયાની જરૂરિયાત છે, પરંતુ આઝાદીના 80 વર્ષ પછી પણ લીમખેડાના નાગરિકો માટે આ સુવિધા એક સ્વપ્ન સમાન બની ગઈ છે. લીમખેડા તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં, અહીં સ્મશાન ન હોવાથી અનેક સમાજના લોકો હડફ નદીના પટમાં લાચારીભરી સ્થિતિમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ સાંસદથી લઈને ધારાસભ્ય અને વહીવટી તંત્ર સુધી અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં, વિકાસના દાવાઓ માત્ર કાગળ પર જ રહી ગયા છે. શોકાતુર પરિવારોને મૃતદેહ લઈને જવા માટે પાકો રસ્તો પણ ન મળવો એ વિકાસશીલ ગુજરાતમાં એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે લીમખેડાના લોકો આ પ્રાથમિક સુવિધા માટે દાયકાઓથી ટળવળી રહ્યા છે.લીમખેડા ગામ એ તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં આજે પણ ગ્રામજનો પાયાની સુવિધાઓથી વંચિત છે. સૌથી ગંભીર સમસ્યા સ્મશાનના અભાવની છે, જ્યાં અંતિમ સંસ્કાર માટે જ કોઈ વ્યવસ્થા નથી. પ્રજાપતિ અને આદિવાસી સમાજ સહિત અનેક લોકો હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે. નદીના પથ્થરો વચ્ચે મૃતદેહને લઈ જવા લોકો માટે અત્યંત વેદનાદાયક સ્થિતિ છે. ચોમાસાની સીઝનમાં જ્યારે નદીમાં પાણી હોય છે, ત્યારે અંતિમ વિધિ કરવામાં ભારે મુશ્કેલીઓ પડે છે. સ્મશાન સુધી પહોંચવા માટે કોઈ પાકો રસ્તો પણ ઉપલબ્ધ નથી, જેના કારણે શોકાતુર પરિવારોની મુશ્કેલીમાં વધારો થાય છે. સ્થાનિકો કહે છે કે, સ્વજનના અવસાન બાદ તેમનું છેલ્લું સન્માન જાળવવું પણ અહીં અઘરું બની ગયું છે. વહીવટી તંત્રની આવી ઉદાસીનતા સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર કેમ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે તે મોટો પ્રશ્ન છે. આઝાદીના 80 વર્ષ પછી પણ સ્મશાન જેવી પ્રાથમિક સુવિધા ન મળવી એ તંત્રની મોટી નિષ્ફળતા છે.લીમખેડાના નાગરિકો છેલ્લા અનેક વર્ષોથી સ્મશાન બનાવવા માટે સતત માંગ કરી રહ્યા છે. લોકોએ અનેક વખત સ્થાનિક તંત્રના અધિકારીઓને આવેદનપત્રો આપ્યા છે, પરંતુ દરેક વખતે માત્ર આશ્વાસનો જ મળ્યા છે. સાંસદ હોય કે ધારાસભ્ય, દરેકને આ સમસ્યાથી વાકેફ કરવામાં આવ્યા હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. રજૂઆતો કરીને લોકો હવે થાકી ગયા છે, છતાં નેતાઓની આંખ ખુલતી નથી. જ્યારે પણ ચૂંટણી આવે છે, ત્યારે મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ આ સમસ્યા ભુલાઈ જાય છે. સ્થાનિકોનું કહેવું છે કે, વિકાસના કામો કાગળ પર તો ખૂબ દેખાય છે, પણ જમીની હકીકત કંઈક અલગ જ છે. એક તરફ વિકાસના મોટા દાવાઓ કરવામાં આવે છે અને બીજી તરફ અંતિમ સંસ્કાર માટે પણ સુવિધા નથી. તંત્રની આ નિષ્ક્રિયતા હવે સહન બહાર થઈ રહી છે અને લોકો હવે આંદોલનના મૂડમાં છે. જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ આ ગંભીર મુદ્દાને નજરઅંદાજ કરી રહ્યા છે.સ્મશાનના અભાવે અંતિમ યાત્રામાં જોડાતા લોકોને નદીના ઉબડખાબડ રસ્તે લાકડાં અને મૃતદેહ લઈને પસાર થવું પડે છે. રસ્તો ન હોવાથી વાહનો પણ નદીના પટ સુધી પહોંચી શકતા નથી, જેના કારણે મૃતદેહને ભારે સંઘર્ષ સાથે લઈ જવો પડે છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે નદી બે કાંઠે વહેતી હોય, ત્યારે અંતિમ વિધિ માટે લોકોને જીવના જોખમે કામ કરવું પડે છે. નદીના પટમાં યોગ્ય ઓટલા કે શેડ ન હોવાથી વરસાદમાં લાકડાં ભીના થઈ જાય છે અને વિધિ કરવામાં અતિશય હાલાકી ભોગવવી પડે છે. આ દ્રશ્યો જોઈને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય કંપી ઉઠે, પરંતુ સત્તાધીશોને આ સમસ્યા દેખાતી નથી. મૃત્યુ બાદ પણ આવી વરવી પરિસ્થિતિનો સામનો કરવો પડે એ આજના યુગમાં શરમજનક છે. રસ્તા અને સુવિધાઓના અભાવે અંતિમ સંસ્કાર વિધિમાં જે વિલંબ થાય છે, તે પરિવારો માટે આઘાતજનક છે. શું આ જ છે લીમખેડાનો વિકાસ? કે પછી અહીંના લોકોના દુઃખની કોઈ કિંમત જ નથી?લીમખેડાના જાગૃત નાગરિકો હવે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, હવે માત્ર કાગળ પર રજૂઆતો કરવાથી કંઈ નહીં થાય, હવે સીધા જવાબ માંગવાનો સમય આવી ગયો છે. ધારાસભ્ય અને સાંસદ પોતે અહીંની સમસ્યાઓથી પરિચિત હોવા છતાં કેમ કામગીરી કરતા નથી તે અંગે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. તાત્કાલિક ધોરણે સ્મશાન અને ત્યાં સુધીનો પાકો રસ્તો બનાવવાની માંગ હવે જોર પકડી રહી છે. જો વહીવટી તંત્ર સમયસર જાગશે નહીં, તો સ્થાનિકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરશે. લોકોની માંગ છે કે, હવે વચનો નહીં, પણ કામ જોઈએ છે. અંતિમ સંસ્કાર જેવી પવિત્ર વિધિ માટે આવી મુશ્કેલીઓ ન વેઠવી પડે તે માટે સરકારે તાત્કાલિક બજેટ ફાળવીને કામ શરૂ કરવું જોઈએ. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો એ તંત્રની નૈતિક ફરજ છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે આ સંવેદનશીલ મુદ્દે ગંભીરતા દાખવે છે અને લોકોને ક્યારે આ સમસ્યામાંથી મુક્તિ મળે છે.
દાહોદ શહેરમાં ભરચક વિસ્તારમાંથી એક વેપારીના વાહનમાંથી રોકડ ભરેલી થેલીની ચોરી થઈ છે.ઠક્કર ફળિયામાં અનાજ-કરિયાણાનો વેપાર કરતા વેપારી મહેશ હરીનારાયણ અગ્રવાલની એક્ટિવા પર લટકાવેલી ₹1.08 લાખથી વધુની રોકડ ભરેલી થેલી કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.દાહોદના અગ્રસેન ભવન સામે રહેતા 58 વર્ષીય વેપારી મહેશ હરીનારાયણ અગ્રવાલ ગત 22 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે પોતાના ઘરેથી એક્ટિવા (નંબર: GJ-20-AM-1069) લઈને નીકળ્યા હતા. તેઓ ગોદીરોડ જૂની પોલીસ ચોકી સામે આવેલી દિનેશભાઈ અગ્રવાલની દુકાને વેપાર માટે ગયા હતા અને ત્યાંથી રોકડા ₹1,08,400/- લીધા હતા.આ રોકડ રકમમાં 500, 200, 100 અને 50ના દરની નોટો હતી, જે તેમણે એક પ્લાસ્ટિકની થેલીમાં મૂકી હતી. ત્યારબાદ રોકડ ભરેલી થેલી અને મોબાઈલ ફોનની થેલી બંને એક્ટિવાના આગળના હુકમાં લટકાવી તેઓ સવારે લગભગ 8:20 વાગ્યે ઠક્કર ફળિયા સ્થિત પોતાની દુકાને પહોંચ્યા હતા.દુકાન ખોલીને સામાન્ય સાફ-સફાઈ કર્યા પછી જ્યારે વેપારી વાહન પાસે થેલી લેવા આવ્યા, ત્યારે હુકમાં માત્ર મોબાઈલવાળી થેલી જ જોવા મળી હતી. ₹1,08,400/- ભરેલી પ્લાસ્ટિકની થેલી ગાયબ હતી.આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં, રોકડ રકમ ચોરી થઈ હોવાની ખાતરી થતાં તેમણે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ શરૂ કરી છે
દેવગઢ બારીયા,દાહોદ,વન વિભાગ ગુજરાત હેઠળના બારીયા વન વિભાગ દ્વારા સાગટાાળા રેન્જ,સાગટાળા ખાતે નાગરિકોમાં સાપ પ્રત્યેની અંધશ્રદ્ધા દૂર કરવા અને પર્યાવરણમાં તેમના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી “સ્નેક અવેરનેસ પ્રોગ્રામ” (સાપ જાગૃતિ કાર્યક્રમ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય સૂત્ર “સાપને જાણો, જીવન બચાવો” રાખવામાં આવ્યો છે.આ કાર્યક્રમ દરમિયાન વન વિભાગ દ્વારા ઝેરી અને બિનઝેરી સાપની ઓળખ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી:ઝેરી સાપ:કિંગ કોબ્રા (નાગ), રેસેલ વાઈપર (ધવડ), કોમન ક્રેઈટ (કાલો નાગ) અને સો-સ્કેલ વાઈપર (ફુરસિયો).બિનઝેરી સાપ:ધામણ (રેટ સ્નેક), પાણીનો સાપ (વોટર સ્નેક), લહેરી સાપ (વાઈન સ્નેક) અને ધરતી સાપ (કોમન સ્નેક).કાર્યક્રમના અંતે વન વિભાગ દ્વારા “જંગલનું સંરક્ષણ અને પ્રાણીઓનું રક્ષણ એ આપણા સૌનું કર્તવ્ય છે” તેવો સંદેશ આપી લોકોને સાપને મારવાને બદલે વન વિભાગનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમમાં વનવિભાગના અધિકારીઓ,બિટગાર્ડના જવાનો, સ્થાનિક આરોગ્યની ટીમ,તથા વનવિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.