છાબ તળાવ, દાહોદ ખાતે પ્રાકૃતિક ખેતી પેદાશ વેચાણ કેન્દ્રનું ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના હસ્તે લોકાર્પણ
Views: 9અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

દાહોદ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા તેમજ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ખેત પેદાશોને યોગ્ય બજાર અને ગ્રાહકો સુધી સીધી પહોંચ મળી રહે તે હેતુસર છાબ તળાવ, દાહોદ ખાતે ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના હસ્તે પ્રાકૃતિક ખેતી પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વેચાણ કેન્દ્રના માધ્યમથી સ્થાનિક ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત અનાજ, કઠોળ, શાકભાજી, ફળો તથા અન્ય ખેત પેદાશોનું સીધું વેચાણ કરી શકાશે. જેના પરિણામે ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર મળવાની સાથે નાગરિકોને પણ ગુણવત્તાસભર અને પ્રાકૃતિક ખેત પેદાશો સરળતાથી ઉપલબ્ધ થશે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા, રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ ઘટાડવા તથા જમીનની ફળદ્રુપતા જાળવવા અનુરોધ કર્યો હતો. સાથે જ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પેદાશોના વેચાણ માટે આવા કેન્દ્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



